સરકારની આદિવાસી વિરોધી નીતિ.વરસાદથી થતા નુકશાનની સહાયમાં આદિવાસી જિલ્લાઓની બાદબાકી આદિવાસીઓ જોડે ઓરમાયુ વર્તન..

0
291

સરકારની આદિવાસી વિરોધી નીતિ.વરસાદથી થતા નુકશાનની સહાયમાં આદિવાસી જિલ્લાઓની બાદબાકી.


નર્મદાના 193 ગામોની 6230 હેકટર જમીનમાં 68,28,5600 રૂપિયાનું ખેતીના પાકમાં નુકશાન થયું હોવાનો ગુજરાત સરકારને રિપોર્ટ કરાયો


હાલમાં રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે CM વિજય રૂપાણી (Vijay Rupani) એ ચૌદમી વિધાનસભાના સાતમા સત્રના પ્રથમ દિવસે જ 3700 કરોડની ખેડૂતોને સહાયની જાહેરાત કરી છે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન બદલ 20 જિલ્લાના 123 તાલુકાને સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી ખેડૂત ઓનલાઈન અરજી કરી શકશે.

ગુજરાત સરકારના નિર્ણય સામે આદિવાસી ખેડૂતો રોષે ભરાયા છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે એવા નર્મદા જિલ્લાના 4 તાલુકાઓમાં પણ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારના ખેડૂતોએ
નુક્શાની મામલે જિલ્લા વહીવટી તંત્રને રજૂઆતો કરી હતી. જેને પગલે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ ટિમો બનાવી જિલ્લાના નાંદોદ, ગરુડેશ્વર, તિલકવાડા, સાગબારા અને ડેડીયાપાડામાં નુક્શાનીનું સર્વે કરી ગુજરાત સરકારને રિપોર્ટ સુપ્રત કર્યો હતો. નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ ગરૂડેશ્વર તાલુકાના 8 ગામોમાં 277 હેકટર જમીનમાં નુક્શાની પેટે 17,54,400 રૂપિયા, નાંદોદ તાલુકાના 45 ગામોની 4161 હેકટર જમીનમાં નુક્શાની પેટે 43,11,2000 રૂપિયા, તિલકવાડા તાલુકાના 64 ગામોની 1289 હેકટર જમીનમાં 17,53,0400 રૂપિયા તથા ડેડીયાપાડા તાલુકાના 76 ગામોની 504 હેકટર જમીનમાં નુક્શાની પેટે 58,88,800 રૂપિયા મળી જિલ્લાના કુલ 193 ગામોની 6230 હેકટર જમીનમાં 68,28,5600 રૂપિયાનું ખેતીના પાકમાં નુકશાન થયું હોવાનો ગુજરાત સરકારને રિપોર્ટ કર્યો હતો.
હવે CM રૂપાણીએ જયારે કિશાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાયની જાહેરાત કરી એમાં નર્મદા જિલ્લામાંથી ફક્ત નાંદોદ તાલુકાનો જ સમાવેશ કરાયો છે. જ્યારે ગરૂડેશ્વર, તિલકવાડા, ડેડીયાપાડાને બાકાત રાખતા એ વિસ્તારના આદિવાસી સહિત અન્ય ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે. આ બાબતે નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા, ડેડીયાપાડા વિસ્તારના નુક્શાનીનું ફરીથી એક લિસ્ટ બનાવી નર્મદા જિલ્લા કલેકટરને જાણ કરાશે, નર્મદા જિલ્લા કક્ષાએથી ગુજરાત સરકારને રજુઆત કરી બાકી રહી ગયેલા તાલુકાઓના ખેડૂતોને પણ નુક્શાનીનું વળતર મળે એવી રજુઆત કરવામાં આવશે.
તો બીજી બાજુ BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના MLA મહેશ વસાવાએ CM રૂપાણીને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારે જાહેર કરેલી 3700 કરોડની કિશાન સહાય યોજનામાં અંબાજીથી ઉમરગામ સુધીના આદીવાસી જિલ્લા અને તાલુકાના અમુક ગામોની જે બાદબાકી કરાઈ એ દુઃખદ બાબત કહેવાય. એ વિસ્તારોમાં સિંચાઈ સુવિધાઓનો પણ અભાવ છે તેઓ આકાશી ખેતી પર નભે છે, ચોમાસાની સિઝનમાં વરસાદી ખેતી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. જેને લીધે મુખ્યમંત્રી કિશાન સહાય યોજનામાં બાકી રહી ગયેલા જિલ્લા-તાલુકાઓને પણ સહાયની જાહેરાત કરવામાં આવે.

રિપોર્ટર: નયનેશ તડવી નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here