*શહીદ બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હારતોરા કાર્યક્રમ યોજાયો.*
આજરોજ શહીદ બિરસા મુંડા ની 146 મી જન્મજયંતી નિમિત્તે બિરસા મુંડા સ્મારક સમિતિ કવાંટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સમસ્ત આદિવાસી પરિવાર જોડાયો હતો, સૈડીવાસણ ચોકડી કવાંટ ખાતે ના બિરસામુંડા સર્કલ પાસે મહાન ક્રાન્તીકારી આદિવાસી યોદ્ધા શહીદ બિરસા મુંડા ની પ્રતિમા પર દર વર્ષ ની જેમ આ વર્ષે પણ હારતોરા સાથે ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં કવાંટ તાલુકા ના સમસ્ત આદિવાસી સમાજ જોડાયો હતો આદિવાસી જનનાયક શહીદ બિરસામુંડા જન્મજયંતી નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં હાજર કાર્યકર્તાઓ દ્વારા હારતોરા તેમજ પારંપરિક રીતે જરુરી પૂજા કરી હતી તે ઉપરાંત શહીદ બિરસા મુંડા અમર રહો, બિરસા તેરે સ્વપ્ને કો, મંઝિલ તક પહોંચાયેંગે…ઉલગુલાન જારી રહેગા… જેવા નારાઓ સાથે વાતાવરણ બિરસામય બનાવ્યુ હતુ.
બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને મહાન ક્રાંતિકારી હતા.
તેમનો જન્મ ૧૫ નવેમ્બર ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં સુગના મૂંડા અને કરમી હાતૂને ત્યાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરી દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી.
ઓક્ટોબર ૧, ૧૮૯૪ના દિને નવયુવાન નેતાના રુપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. ૧૮૯૫ના વર્ષમાં એમને ગિરફતાર કરી, હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે સાલની કેદની સજા ભોગવવા રાખ્યા. પરંતુ બિરસા અને એમના શિષ્યોએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. બિરસાને તેમના વિસ્તારના લોકો “ધરતી આબા” નામથી સંબોધન કરતા હતા, આબા એટલે મુંડારી ભાષામાં રક્ષક તેવો થાય છે, એમના પ્રભાવની વૃધ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી.૧૮૯૭ના વર્ષથી ૧૯૦૦ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાઇઓ વચ્ચે લડાઇ થતી રહી, અને બિરસા તથા એમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. ઓગસ્ટ ૧૮૯૭ના સમયમાં બિરસા અને એના ચારસો સાથીઓએ તીર કામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. ૧૮૯૮ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઇ અંગ્રેજ સેના સાથે થઇ, જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી ગઇ પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારના ઘણા આદિવાસીનેતાઓની ધરપકડ થઇ. જાન્યુઆરી ૧૯૦૦ ડોમવાડી ના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા. એ વખતે આ જગ્યા પર બિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારબાદ બિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઇ હતી. અંતે બિરસાએ જાતે ફેબ્રુઆરી ૩, ૧૯૦૦ના દિને ચક્રધરપુરમાં જાતે ધરપકડ વહોરી લીધી.
બિરસા મુંડાએ ૯ જૂન ૧૯૦૦ ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ , મધ્યપ્રદેશ ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને પોતાના એક આદર્શ અને પ્રેરણા સ્ત્રોત માની ને પૂજે છે. આ ઉપરાંત ભારતદેશના લશ્કરની એક પાંખ ભુમિદળની એક મહત્વની રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટના સૈનિકોના નારા(war cry) તરીકે બિરસા મુંડા કી જય એમ નાદ કરવામાં આવે છે. બિરસા મુંડાની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતા તરફથી ૧૫ નવેમ્બર ૧૯૮૮ના દિને ૬૦ પૈસા મૂલ્ય ધરાવતી, ૩.૫૫ સે.મી. લંબાઇ તેમ જ ૨.૫ સે.મી. પહોળાઇ ધરાવતી ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી. આમ શહીદ બિરસા મુંડા માત્ર આદિવાસી સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે શહીદી વ્હોરી હતી.