મહીસાગર કોવિડ રસીકરણ સર્વે: મહીસાગર જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં ઉંમરના નિર્ધારિત માપદંડો અને કો મોર્બિડીટી ના આધારે ૨.૧૯ લાખ થી વધુ લોકોની કરવામાં આવેલી નોંધણી


મહીસાગર જિલ્લાના ગ્રામ વિસ્તારો માં હાલમાં જિલ્લા કલેકટર શ્રી આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.બી.શાહ તેમજ પ્રાંત અધિકારીઓ અને મામલતદારો ના સંકલનથી ઉંમર અને કો મોર્બિડીટીના ઠરાવેલા માપદંડો અનુસાર કોવિડ રસીકરણની પૂર્વ તૈયારી ના ભાગરૂપે મોજણી – સર્વે કરવામાં આવી રહ્યો છે.
આરોગ્ય, શિક્ષણ, મહેસૂલ અને અન્ય સહયોગી વિભાગોના કર્મચારીઓની બનેલી ૭૦૦ થી વધુ ટીમો દ્વારા મતદાન મથકોના વિસ્તારને આવરી લઈને રસીકરણને પાત્ર લોકોની નોંધણી નામ, સરનામું, મોબાઈલ નંબર, ઓળખના પુરાવા જેવી વિગતો સાથે કરવામાં આવી રહી છે.
તા.૧૦/૧૨/૨૦૨૦ થી આ સર્વે શરૂ કરવામાં આવ્યો છે તેવી જાણકારી આપતા ડો.શાહે જણાવ્યું કે તા.૧૬/૧૨/૨૦૨૦ સુધીમાં સર્વે ટીમો દ્વારા ૫૦ વર્ષ થી વધુ ઉંમરના હોય એવા કુલ ૨૧૪૪૩૧ લોકોની નોંધણી કરવામાં આવી છે જેમાં ૧૦૨૯૫૫ પુરુષો અને ૧૧૧૪૭૬ મહિલાઓનો સમાવેશ થાય છે.
તેવી જ રીતે ૫૦ વર્ષ થી ઓછી ઉંમર પરંતુ કેન્સર, હૃદયરોગ જેવા સહરોગો થી પીડિત હોય તેવા ૧૯૯૦ પુરુષો અને ૨૯૯૦ મહિલાઓ મળીને કુલ ૪૯૮૦ લોકોની નોંધણી કરવામાં આવી છે. આમ, હાલની મોજણી હેઠળ બંને માપદંડો હેઠળ કુલ ૨૧૯૪૧૧ લોકોની રસીકરણ માટે નોંધણી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here