નર્મદા જિલ્લાના મેજીસ્ટ્રેટશ્રી તરફથી નોવેલ કોરોના મહામારીને અનુલક્ષીને લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ સંદર્ભે જાહેર કરાયેલું જાહેરનામુ,

0
292

નર્મદા જિલ્લાના મેજીસ્ટ્રેટશ્રી તરફથી નોવેલ કોરોના મહામારીને અનુલક્ષીને લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ સંદર્ભે જાહેર કરાયેલું જાહેરનામુ,


રાજપીપલા : સમગ્ર દેશમાં COVID-19 ની અસરો ધ્યાને લેતાં National Disaster Management Authority ના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૩૦/૦૯/૨૦૨૦ ના હુકમ ક્રમાંક: 40-3/2020-DM-I(A) થી બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનની અવધિ તા.૨૭.૧૦.૨૦૨૦ના હુકમ ક્રમાંક: 40-3/2020-DM-I(A) થી તા.૩૦/૧૧/૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ છે, જે અન્વયે આમુખ-(૧) તથા આમુખ-(૨) ના જાહેરનામાથી જરૂરી હુકમો બહાર પાડવામાં આવેલ છે.

રાજયમાં કોરોનાની હાલની સ્થિતિ લક્ષમાં લેતાં ખુલ્લામાં તથા બંધ સ્થળોએ લગ્ન/સત્કાર સમારંભ તથા અન્ય ઉજવણીઓના આયોજનમાં તેમજ મૃત્યુના કિસ્સામાં અંતિમ ક્રિયા/ ધાર્મિકવિધિ દરમ્યાન વ્યક્તિઓની સંખ્યાની મર્યાદા નિયંત્રિત કરવા બાબતે ગૃહ વિભાગ, ગાંધીનગર દ્વારા સંદર્ભ-૩ થી હુકમ કરવામાં આવેલ છે.
આમુખ-(૩) મુજબની Guidelines અન્વયે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અઘિનિયમ)ની કલમ -૧૪૪ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ -૩૪ ની રૂએ એક જાહેરનામા દ્વારા કરાયેલ હુકમ અનુસાર આમુખ-(૨) ના તા.૦૨/૧૧/૨૦૨૦ ના હુકમથી બહાર પાડવામાં આવેલ સુચનાઓમાં તા.૨૫/૧૧/૨૦૨૦ થી અમલમાં આવે તે રીતે જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે.

તદ્દઅનુસાર, લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓના કિસ્સામાં ખુલ્લા સ્થળોએ/ બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના ૫૦% થી વધુ નહિ, પરંતુ મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદામાં સમારોહ/પ્રસંગના આયોજનને મંજૂરી આપવાની રહેશે. મૃત્યુના કિસ્સામાં અંતિમ ક્રિયા/ધાર્મિક વિધીના કિસ્સામાં મહત્તમ ૫૦ વ્યક્તિઓની મર્યાદામાં મંજૂરી આપવાની રહેશે.

આ હુકમની અમલવારી તા.૨૫/૧૧/૨૦૨૦ ના ૦૦.૦૦ કલાકથી અમલી બનશે. અત્રેની કચેરીના આમુખ-(૨) ના જાહેરનામાની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે. આ જાહેરનામું નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામાની અમલવારી તા.૨૫/૧૧/૨૦૨૦ ના ૦૦.૦૦ કલાકથી આવનાર દિવસોમાં બીજો હુકમ ના થાય ત્યાં સુધી કરવાની રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ -૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

✒️ જેસીંગ વસાવા
( બ્યુરો ચીફ નર્મદા )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here