વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક કાર્ય માટે કરોડો રૂપિયાનું દાન કરી ચૂક્યા છે. સૂત્રો મુજબ, મોદી દીકરીઓના શિક્ષણથી લઈને ગંગા સફાઈ અભિયાન માટે પોતાની બચતના રૂપિયાનું પણ દાન કરી ચૂક્યા છે. તેમણે કોરોના સામે લડવા માટે સ્થાપિત પીએમ કેયર્સ ફંડમાં રૂ. 2.25 લાખનું દાન આપ્યું છે.તો બીજી તરફ વડાપ્રધાને તેમને મળેલી ભેટોની હરાજીથી પ્રાપ્ત થયેલા 103 કરોડ રૂપિયા પણ દાનમાં આપ્યા છે.
સૂત્રો એમ પણ કહે છે કે મોદી સ્વાસ્થ્ય સેવાઓ, કુદરતી હોનારત સમયે વ્યક્તિગત રીતે મદદ કરી રહ્યા જ છે.બુધવારે એવી માહિતી બહાર આવી હતી કે માર્ચ મહિનામાં રચાયેલા પીએમ કેયર્સ ફંડમાં માત્ર 5 દિવસમાં 3076 કરોડ રૂપિયા જમા થયા હતા.
આ રીતે દાન આપતા રહ્યાં વડાપ્રધાન મોદી
2019માં તેમણે પોતાની અંગત બચતમાંથી 21 લાખ રૂપિયા કુંભના મેળામાં સફાઈકર્મીઓના કલ્યાણ માટે આપ્યા હતા.
2019માં જ મોદીને સાઉથ કોરિયાનું સિઓલ પીસ પ્રાઈઝ મળ્યું હતું. તેમણે જાહેરાત કરી હતી કે તેઓ 1.30 કરોડની પ્રાઈઝ મનીને નમામિ ગંગે પ્રોજેક્ટ માટે દાન કરશે.
તાજેતરમાં જ વડાપ્રધાન મોદીને મળેલા ઈનામોની હરાજીમાં 3.4 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. તે પણ તેમણે નમામિ ગંગે પરિયોજનામાં દાન કર્યા.
2014માં ગુજરાતના મુખ્યમંત્રીનું પદ છોડ્યા પછી મોદીએ તેમના પૂર્વ સ્ટાફની દીકરીના લગ્ન માટે 21 લાખનું દાન કર્યું. આ પૈસા તેમણે તેમની પોતાની બચતમાંથી દાન કર્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા તે દરમિયાન મોદીને ઘણી ગિફ્ટ્સ મળી હતી. તેની હરાજીથી મળેલા 89.96 લાખ તેમણે બાળકીઓના શિક્ષણ માટે કન્યા કેળવણી ફંડમાં દાન કર્યા હતા.
વડાપ્રધાન મોદીને 2015માં મળેલી ગિફ્ટની પણ હરાજી કરવામાં આવી હતી. તેમાંથી 8.35 કરોડ રૂપિયા પણ નમામિ ગંગે યોજના માટે દાન કરવામાં આવ્યા હતા.
PM કેયર્સ ફંડ શું છે?
સરકારે 28 માર્ચે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે આ ફંડ બનાવ્યું હતું. કોરોના જેવી ઈમરજન્સીના ખર્ચને પહોંચી વળવા માટે આ ફંડ ભેગુ કરવાનો હેતુ હતો. કોરોના કાળમાં કોર્પોરેટથી લઈને વ્યક્તિ દાન પણ આ ફંડમાં કરવામાં આવ્યું છે.